જગતના ખરબચડા ઓરસિયે પોતાની જાતને ઘસી ઘસીને ચંદનની પેઠે જનસમાજમાં સદાચારમય ભાગવતધર્મની સુવાસ પ્રસરાવતા રહીને જીવન મૂલ્યોની ખુશ્બો પ્રસરાવનાર સાચા સંતોના અનેક ઉપકારો સદ્ગ્રંથોમાં ભર્યા પડ્યા છે. પરમ હિતકારી સંતોનો મહિમા ગાતા કહેવાયું છે ને ?
ગંગા પાપં શશી તાપં, દૈન્યં કલ્પતરું સ્તથા;
પાપં તાપં ચ દૈન્યં, હરેત્સાધુ સમાગમ.
ગંગાજી પાપને, ચંદ્ર તાપને અને કલ્પતરુ દરિદ્રતાને હરે છે; પરંતુ સાધુનો સમાગમ તો પાપ, તાપ અને દરિદ્રતા એ ત્રણેય સંકટને હરે છે.
સાધુનાં દર્શન પુણ્યં, તીર્થ ભૂતાહિ સાધવઃ;
કાલે ફલન્તિ તીર્થાનિ, સદ્યઃ સાધુ સમાગમ.
સાધુજનોનાં દર્શન પુણ્યદાયક છે. સાધુઓ જંગમ તીર્થરૂપ છે; એટલું જ નહિ પણ તીર્થ કરતાંય એ શ્રેષ્ઠતમ છે કારણ કે તીર્થ સમય જતાં ફળ આપે છે. જ્યારે સાધુઓનો સમાગમ તો ત્વરિત ફળરૂપે જીવન સુધારી આપે છે.
આવા વિરલ વિભૂતિ, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંતવર્ય હતા સદ્. પુરાણી સ્વામી ગોપીનાથદાસજી. જેમણે મધુરભાષી ઉત્તમ કથાકાર તરીકે સત્સંગ સમાજમાં સાંપ્રદાયિક ધર્મગ્રંથોની કથા પારાયણો કરીને અનેક મુમુક્ષુ જીવોને ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુને ઓળખાવીને સદાચારના સન્માર્ગે વાળ્યા હતા.
નિષ્કામકર્મયોગી અને ભગવાનના સાક્ષાત્કારી આ સંત વિભૂતિના પ્રેરક પ્રસંગોને એમના શિષ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીની પ્રેરણાથી, શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજીએ સંશોધન કરીને સદ્વિદ્યા માસિકના છઠ્ઠા વર્ષના ૧૦મા અંકમાં પ્રસિદ્ધ કર્યા હતા. એ પછી સદ્. પુરાણી ગોપીનાથદાસજીના સીનિઅર શિષ્ય સ્વામી કૃષ્ણજીવનદાસજી અને બીજા સંતો અને તે સમયના હરિભક્તો પાસેથી સાંભળીને પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજીએ કેટલીક માહિતી ભેળી કરીને ફાઈલ કરી હતી. પોતે ધામમાં ગયા પહેલાં એ ફાઈલ પૂ. શાસ્ત્રીજી મહારાજને આપેલ, પૂ. શાસ્ત્રીજી મહારાજે વાંચી હતી અને આ માહિતી અને પ્રસંગોને ક્રમબદ્ધ ગોઠવી એક પુસ્તકના રૂપમાં છાપવા મને ખાસ ભલામણ કરીને ફાઈલ સોંપી હતી. આ પુસ્તકનું સંપાદન સેવાકાર્યમાં એમણે મને નિમિત્ત બનાવ્યો એને હું મારું સદ્ભાગ્ય સમજું છું.
પણ અફસોસની વાત તો એ છે કે જેમણે આ પ્રસંગો એકત્રિત કર્યા એ બન્ને સંતો શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજી અને પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી તથા સાથે રહીને જેમણે આ મહાપુરુષનું જીવન નજીકથી જોયું એ શિષ્ય સદ્. શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી આ ત્રણેય મહાનુભાવો અક્ષરવાસી થયા પછીથી આ પુસ્તક તૈયાર થયું પણ જો એમની ઉપસ્થિતિમાં તૈયાર થઈ શક્યું હોત તો તેઓ ખૂબ રાજી થાત.
સદ્ગુરુ પુરાણી સ્વામી ગોપીનાથદાસજીના આ પાવન જીવન પ્રસંગો વાંચતા એમના આદર્શ અને પ્રતિભાસંપન્ન સંતજીવનની એક આગવી છાપ આપણા અંતરમાં ઉપસી આવે છે. એમની ઉચ્ચ કોટિની વિદ્વત્તા, સાહિત્ય સેવાની તત્પરતા સજાગ સાધુતા, સતત સક્રિયતા, મધુર રસમય વાક્પટુતા ને ધર્મ મર્મજ્ઞતા જરૂર આપણા મનમાં વસી જાય છે. આવા બધા સદ્ગુણો સાથે એમણે પોતાના વિચાર, વાણી અને વર્તનમાં રાખેલી એકરૂપતા આપણને પ્રભાવિત કરી જાય છે.
સદ્. સ્વામી બાલમુકુંદદાસજી આદિ ગુરુજનો પાસેથી પરંપરામાં મળેલ સાધુતા ને સત્સંગ સેવાનો વારસો એમણે સ્વજીવનમાં જાળવી રાખી પોતાના શિષ્યોમાં એ વારસો વિસ્તાર્યો હતો જે આપણને એમના સર્વ શિષ્યોમાં તેમજ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીમાં વિશેષ જોવા મળ્યો.
આ પુસ્તકમાં જે કાંઈ ઉત્તમ અને પ્રેરણાદાયક છે એ તો એના સંગ્રાહક ઉપરના ત્રણેય મહાનુભાવો સંતોને આભારી છે અને એમાં ભાષાકીય કાઈ ઉણપ રહેવા પામી હોય એ મારા સંપાદન કાર્યની કસર રૂપે હશે.
સત્સંગ સાહિત્ય પ્રસિદ્ધ કરવાની સેવામાં સહાયરૂપ થનાર સાધુ શ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામી તથા પાર્ષદ નીલકંઠ ભગતે ફોરકલર ટાઈટલ સાથે ઈનર પેજ લે આઉટ ડિઝાઈનની સેવા કરેલ છે. સદ્વિદ્યાના સહતંત્રી શ્રી રસિવલ્લભદાસજીએ પ્રકાશન કાર્યમાં મદદ કરેલ છે. પાર્ષદ શ્રી વશરામ ભગત તથા ગોરધનભાઈ સખિયા અને મનીષભાઈ ચાંગેલા વગેરેએ પ્રુફ તપાસવામાં સહાય કરી છે.