સફળ હિન્દી ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’નો લોકપ્રિય થયેલો સંવાદ એટલે ‘હાઉ’ઝ ધ જોશ?’ અભિનેતા વિકી કૌશલ આ સવાલ પૂછે છે ત્યારે એની ટુકડીના બધા સૈનિકો જોશભેર બોલે છે, “હાઈ, સર (High, sir)!’ અર્થાત્, સૈનિકોનો ઉત્સાહ, જુસ્સો એકદમ ઉચ્ચ સ્તરે છે. ફિલ્મના આ ડાયલોગનો તંતુ પકડીને આ પુસ્તકનું શીર્ષક નક્કી કરવામાં આવ્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિમાં ઉત્સાહ, ઉમંગનું હોવું ખૂબ જ જરૂરી છે. સાર્થક કાર્ય માટે કરવામાં આવતા પ્રયાસોની સાથે ઉત્સાહ પણ હોય તો એ એક ઉદ્દીપકનું કામ કરે છે. આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલા બધા લેખ આપણી જિંદગીનાં વિવિધ પાસાઓને સ્પર્શે છે, જેમાં વધુ અસરકારકતા લાવવા માટે જે તે લેખમાં જે રજૂઆત કરવામાં આવી છે એમાં વાચકના ઉત્સાહનો પણ ઉમેરો થાય તો ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થઈ શકે.