કોઈ ઓરડો હજારો વર્ષથી અંધારિયો હોય તેને પ્રકાશથી ભરવા માટે તેમાં હજારો વર્ષ પ્રકાશ નથી કરવો પડતો. એ ઓરડામાં માત્ર એક દીપકને પ્રગટાવો. દીપકની જ્યોત ઝળહળશે અને તે જ ક્ષણે હજારો વર્ષનો અંધકાર અદૃશ્ય થઈ જશે. જીવના હૃદયમાં અનાદિકાળથી અજ્ઞાનનું ગાઢ અંધારું ભરાયેલું છે. સત્પુરુષના સહવાસથી તે અંધકાર ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે કારણકે સંત આપણા હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રગટાવે છે.
ઘણીવાર જે કાર્ય કલાકો સુધી પ્રવચનો સાંભળવાથી નથી થતું તે કાર્ય બે શબ્દો સાંભળવાથી થઈ જાય છે. જે કામ અનેક પુસ્તકો વાંચવાથી નથી થતું તે કામ બે વાક્યો વાંચવાથી થઈ જાય છે; પરંતુ તે બે શબ્દો અને બે વાક્યો સાચા સત્પુરુષના જીવનમાંથી નીકળેલાં હોવાં જોઈએ. તેવા બે જ શબ્દો સંસારના તાપોથી તપ્ત થયેલ મનુષ્યને શીતળ અને શાંત બનાવી દે છે.
આવા અણમૂલાં વાક્યોનો ભંડાર છે, ‘જીવન જ્યોત’નાં આલેખનો. જીવન જ્યોતની પંક્તિઓ વાચકના હૃદયના સ્થંભિત તારોને ઝણઝણાવે છે. સાદી, સરળ છતાં ચોટદાર ભાષાશૈલીમાં લખાયેલા આ લેખોના વાચનથી લૌકિક જીવનની અનેક વિટંબણાઓનું સમાધાન મળી જાય છે કારણ કે એ લેખોમાં સદ્ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સંત જીવનના અનુભવોની વીણા ગૂંજી રહી છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને અમેરિકા સુધી વિસ્તેરલી સંસ્થાની શાખાઓ દ્વારા થતાં જનહિતનાં સેવાકાર્યોની વણથંભી શૃંખલાઓના વ્યસ્ત કાર્યક્રમો તથા ગામડે-ગામડે અને અનેક શહેરોમાં અવિરત સત્સંગ વિચરણના કાર્યક્રમો વચ્ચે પણ પૂજ્ય સ્વામીજીની કલમ ‘સદ્વિદ્યા’ અને અન્ય માસિકો દ્વારા સતત વહેતી રહી છે.
જીવનઘડતર, સમાજનિર્માણ, સામાજિક સમસ્યા નિર્મૂલન અને મોક્ષમૂલક વાતોના આ લેખોને ક્રમશઃ ‘સંત સમાગમ’, ‘સત્સંગ સુધા’, ‘સંતકી સોબત’, ‘જીવન પાથેય’, ‘જીવન સુમન’ અને ‘જીવન જીવવાની કળા’ એમ છ પુસ્તકોમાં સંકલિત કરી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા જનસમાજ સુધી પહોંચાડવામાં આવ્યા છે.
‘સદ્વિદ્યા સદ્ધર્મ રક્ષક’ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને અખંડ ભગવત્પરાયણ પૂજ્યપાદ્શ્રી જોગી સ્વામીના શુભાશીર્વાદ સહ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ વિદ્યાલયના સુવર્ણ જંયતી પ્રસંગે યોજાયેલ ‘જનમંગલ મહોત્સવ’માં, ગુજરાત રાજ્યના સ્વર્ણિમ્વર્ષે પ્રારંભાયેલ ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત સદ્ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના જીવન અનુભવોના આ વિચાર વૈભવના સારને સંકલિત કરી આ ‘જીવન જ્યોત’ પુસ્તક દ્વારા સામાન્ય જનસમાજમાં તરતો મૂકવાનો ગુરુકુલ રાજકોટ દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ‘જીવન જ્યોત’ પુસ્તકનું સંપાદન કરવામાં દૈહિક, માનસિક તથા આર્થિક રીતે સેવા સહયોગ આપનાર સર્વ ઉપર ભગવાન શ્રીહરિ તથા સંતોની પ્રસન્નતા ઉતરે એવી શુભ કામના.