શ્રી હરિ “વચનામૃત” માં કહે છે. (વ. ગ. મ. નું – ૫૮) “ સંપ્રદાયની પુષ્ટિતો એમ થાય છે કે, સંપ્રદાયના ઇષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યા હોય અને જે જે આચરણ કર્યા હોય તે આચરણને વિશે ધર્મ પણ સહજે આવી જાય અને તે ઇષ્ટદેવનો મહિમા પણ આવી જાય માટે પોતાના ઇષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે.”
શ્રીહરિના આ હૃદગત અભિપ્રાયને અનુસાર આ “ શ્રી પુરુષોત્તમચરિત્ર” ગ્રંથનું પ્રકાશન થયેલ છે.
આ ગ્રંથના રચયિતા કવિશ્વર શ્રી દલપતરામ છે. રચાવનાર લોધીકા દરબાર ધ્યાની શ્રી અભયસિંહજી છે. દરબાર શ્રી અભયસિંહજીનો દિવ્ય ઇતિહાસ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. આ ગ્રંથના આરંભે પણ તેની ઝલક આપવામાં આવી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યેની અપાર ભક્તિથી પ્રેરાઈને દરબાર શ્રી અભયસિંહજીએ કવિશ્વર દલપતરામ પાસે આ અણમોલ ગ્રંથરત્નની રચના કરાવી.
કવિશ્વર શ્રી દલપતરામ સંપ્રદાયના આભૂષણ સમાન હતા. તેઓશ્રીએ આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજની પ્રેરણાથી “શ્રીહરિલીલામૃત” નામનો સુંદર ગ્રંથ રચેલો છે. અને તે ગ્રંથના કર્તાભાવમાંથી મૂકત થઈ આચાર્યશ્રીના નામે સમર્પિત કરેલો છે. એક મહાન કવિનું આથી મોટું સમર્પણ કે ગુરુ પૂજન બીજું કયું હોય શકે ? સ્વામિનારાયણ સંપ્રદાય કવિશ્વરનો ઉપકાર કદી ભૂલી શકે તેમ નથી.
કવિશ્વરનું હૃદય ભગવાન શ્રી સ્વામિનારાયણની ભક્તિથી રંગાયેલું હતું. અભયસિંહજીનું જીવન પણ શ્રીહરિ પ્રત્યેની એકાંતિકી ભક્તિથી ભરેલું હતું. જેના પરિપાક રૂપે આ ઉત્તમ ગ્રંથ સત્સંગને મળ્યો છે. આ ગ્રંથ વ્રજભાષામાં હોવાથી ભારતભરમાં તેનો પ્રચાર પ્રસાર થઈ શકે તેમ છે.
આ ગ્રંથને પાને પાને પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિનો દિવ્ય મહિમા ભર્યો છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના મહિમાનું ગાન કરનાર હોવાથી. “શ્રી પુરુષોત્તમ ચરિત્ર'' એવું ગ્રંથનામ પણ સાર્થક છે. આ ગ્રંથમાં શ્રીહરિના દિવ્ય લીલા ચરિત્રો ઉત્સવો વગેરેનું રસાળ વર્ણન છે. જેના શ્રવણ, કીર્તન, મનનથી ભક્તના અંતરમાં પરમ શાંતિ આપે છે. અને ઉપદેશના અંશો મુમુક્ષુવર્ગને ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે.