આ અખૂટ ને અફાટ અલૌકિક સાહિત્ય સાગરમાં ચંચુપાત કરવાની મને શ્રીજી કૃપાથી પ્રેરણા થઈ. એમાં સદ્. સ્વામી શ્રી નારાયણદાસજી તથા સદ્. સ્વામી કૃષ્ણચરણદાસજી તથા સદ્. સ્વામી કૃષ્ણજીવનદાસજી (મારા ગુરુ મહંત સ્વામી) તથા સદ્. સ્વામી શ્રી ત્યાગવલ્લભદાસજી જેવા મોટા સંતોના આશીર્વાદ સમજું છું.
પૂજ્ય સદ્. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ રાજકોટને આંગણે શ્રીસ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી સદ્વિદ્યા પ્રવર્તનનો મહાયજ્ઞ ચાલુ કર્યો. સત્સંગ ઉત્કર્ષની અનેક મંગળ પ્રવૃત્તિઓના પ્રારંભ સાથે સદ્વિદ્યા માસિકની શરૂઆત થઈ. અન્ય સેવાઓ સાથે સાહિત્ય સજર્નની મારી સેવાને પ.પૂ. શાસ્ત્રીજી મહારાજની કૃપાથી અવકાશ મળ્યો. હું જે કાંઈ શ્રીજી પ્રેરણાથી લખું છું તે ગુરુવર્યના આશીર્વાદનું પરિણામ છે. આ મહાપુરુષના યોગમાં મેં જીવન વીતાવ્યું છે ને જીવનના સંઘર્ષોમાં સાથે રહ્યો છું. અ.નિ. ભક્તરાજ શ્રી ત્રિભુવનભાઈ વ્યાસ તેમજ સદ્વિદ્યા તંત્રી શ્રી મહેન્દ્રભાઈ શેલત તરફથી મને ઘણાં ઉપયોગી સૂચનો મળ્યાં છે.
શ્રીહરિનું વીજળીના ઝબકારા જેવું ૪૯ વર્ષનું ટૂંકું જીવન અનેક લીલા પ્રસંગોથી ભરચક છે. પ્રસંગે પ્રસંગે એમણે સભાઓ યોજીને જ્ઞાનવાર્તા કરી છે. દિવ્ય તેમજ માનુષી લીલાઓ વિસ્તારી છે. આ ચરિત્રોનું જે રસપાન કરવું એ જીવનનો અણમૂલો લહાવો છે તેમજ પ્રેમલક્ષણા ભક્તિ ઉદય થયાનું સાધન છે. ઈષ્ટદેવ શ્રીહરિ તેમજ તેના લાડીલા સંતહરિભક્તોના જીવનપ્રસંગોનું સ્મરણ પાવનકારી છે; સંસારનાં આવરણો ને આપત્તિમાં મનને શાંતિ અને આત્માને બળ આપનાર છે. કંઈક આવા શુભ હેતુથી હું સંપ્રદાયના સાહિત્યને સત્સંગની શુભ વાર્તાઓ દ્વારા જનસમાજ આગળ રજૂ કરવા પ્રયત્ન કરતો રહ્યો છું. દર મહિને ગુરુકુલના મુખપત્ર સદ્વિદ્યા માસિકમાં એ પ્રસિદ્ધ થાય છે અને વાચકવર્ગે તેને માટે અભિરુચિ દર્શાવી મને પ્રોત્સાહન આપ્યું છે. તે બદલ તે સર્વનો હું આભારી છું.
સદ્વિદ્યામાં છપાયેલ આ શુભવાર્તાઓ પુસ્તકરૂપે બહાર પડે તો સહુને વાંચવામાં અને સત્સંગની સમજણ માટે અનુકૂળ રહે એવી માગણી છેલ્લા કેટલાય સમયથી થતી હતી, જેથી સંસ્કાર-દીપના વિશેષ અંક તરીકે એક નાની પુસ્તિકા રૂપે સાત વાર્તાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જનસમાજને તે રુચિકર થતાં તેની માગ વધી તેને પરિણામે સત્સંગની શુભવાર્તા પ્રથમ ભાગ શ્રીહરિ દ્વિશતાબ્દી વર્ષમાં પ્રસિદ્ધ થયો. જેમાં ૨૦ વાર્તાનું સુંદર સંકલન સદ્વિદ્યાના સહતંત્રી સ્વામી લક્ષ્મીનારાયણદાસજીએ ખંત અને ઉત્સાહપૂર્વક કર્યું છે.
પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થતાં જ એની બધી નકલો ચપોચપ ઉપડી ગઈ. સત્સંગ સમાજમાંથી સારો સહકાર મળ્યો. પ્રશંસાના ઘણાય પત્રો આવ્યા છે. એ બદલ સહુનો આભાર માનું છું, અને આ બીજી આવૃત્તિ સત્સંગને ચરણે ધરતાં આનંદ અનુભવું છું. સત્સંગની શુભવાર્તાનો બીજો ભાગ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે અને ત્રીજો ભાગ પણ બહાર પાડવાનું આયોજન થઈ રહ્યું છે. મારા આ નમ્ર પ્રયાસથી બન્ને ગાદીના પ.પૂ.ધ.ધૂ. આચાર્ય મહારાજશ્રી, શ્રીજીના લાડીલા સંતો ને સમસ્ત સત્સંગ સમાજના મારા ઉપર આશીર્વાદ ઉતરે અને સત્સંગ સાહિત્ય સેવાનું વિશેષ બળ મળે એવી અંતરની અભ્યર્થના.