ભગવાન શ્રીસ્વામિનારાયણ પ્રભુએ પ્રવર્તાવેલા આ સંપ્રદાયની કલ્યાણમય સ્થાપિત પ્રણાલિકા સુદૃઢપણે દીર્ઘકાળ પર્યંત ટકે અને તેનો સમાશ્રય કરીને અનેક જીવોનું કલ્યાણ થાય, એવા અતિ ઉત્કૃષ્ટ ધ્યેયને માટે મૂળ અક્ષર મૂર્તિ સદ્. શ્રી ગુણાતિતાનંદ સ્વામીએ શ્રીજીમાન્ય સિદ્ધાંતો ઉપર અત્યંત ભાર આપીને બળભરી ભાષામાં ઉપદેશ આપ્યો છે; એટલું જ નહિ પણ એ ઉપદેશના પ્રવાહને અસ્ખલિતપણે વહેવડાવ્યો છે. સ્વામીશ્રીની ઉપદેશ–શૈલી સાદી અને સરલ છતા સચોટ, મર્મવેધક ને જોરદાર હતી. તેમનાથી આકર્ષાઈને દેશદેશાંતરના અનેક મોક્ષાર્થીઓ તેમની પાસે તણાઈ આવતા. તેઓશ્રીએ સત્સંગની નિષ્કામ સેવા વૃત્તિને જીવંત રાખીને, સંસારની વાસનાને નિર્મૂળ કરી સર્વોપરી ઉપાસ્ય તરીકે ભગવાન શ્રીસહજાનંદ સ્વામીને સર્વના કારણરૂપ બતાવી તેમાં જીવોને જોડી દેવાની આત્યંતિક કલ્યાણ કામનાને જ મુખ્ય રાખી છે અને તે માટે આજ્ઞા અને ઉપાસના રૂપ સત્સંગના બે પ્રધાન પાસાંઓને તેઓએ ભારે મહત્વ આપ્યું છે.
વળી એ બંને પાસાંઓની સિદ્ધિ માટે સત્પુરુષો, સત્શાસ્ત્રોનો સંગ, આત્મવિચાર અને પરમાત્મનિષ્ઠા એનું પ્રતિપાદન અનેક સચોટ દૃષ્ટાંતો દ્વારા કર્યું છે. શ્રીજી મહારાજનો સળંગ અભિપ્રાય જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્ય સહિત ભક્તિના સમન્વય રૂપ એકાંતિક ધર્મ છે, તેનું શ્રેષ્ઠ અનુસંધાન આ વાતોમાં એકધારું સચવાયું છે. એકાંતિક ધર્મના અંગોની પ્રસંગોપાત્વાતોમાં સ્વામીશ્રીએ સ્પષ્ટપણે ઘણી વાતો તો તોડી ફોડીને અલમસ્તપણે કહી પણ દીધી છે અને તેમાં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોચ્ચ ઉપાસના તથા સત્સંગની વિશુદ્ધિ માટેનો તેમનો સદાગ્રહ કયારેક તો પુણ્યપ્રકોપના સ્વરૂપમાં પણ જોઈ શકાય છે.
છેવટે જીવોને ‘નિજાત્માનં બ્રહ્મરૂપં એ પ્રમાણે શુદ્ધ અક્ષરાત્મક અને પ્રગટ પુરુષોત્તમ નારાયણ શ્રીસહજાનંદ સ્વામીના વિશુદ્ધ ઉપાસક બનાવી આત્યંતિક મોક્ષના અધિકારી બનાવવાનો અવિરત ઉદ્યમ આ વાતોમાં ભરપૂર છે.