આ હરિગીતાના પાંચ અધ્યાયો સદ્ગુરુ શતાનંદ સ્વામી કૃત “સત્સંગિજીવન'' ગ્રંથના પ્રથમ પ્રકરણમાં ૩ર થી ૩૬ અધ્યાય સુધીના છે. શ્રી હરિએ સ્વયં ભક્તિ માતાને નિમિત્ત બનાવી જીવોના આત્યંતિક કલ્યાણ માટે સત્પુરુષનાં લક્ષણો અને એકાંતિક ભાગવત ધર્મનો મહિમા આ ગ્રંથમાં કહ્યો છે. તેનો સંપ્રદાયમાં વિશેષ મહિમા રહ્યો છે. તેની સાથે આ પુસ્તિકામાં વર્ણીશ્રી મુકુંદ બ્રહ્મચારી આદિકના પૂછવાથી શ્રીહરિએ ભાગવત ધર્મનો મર્મ સમજાવ્યો છે. જેને સત્સંગિજીવનના બીજા પ્રકરણના સાતમા અધ્યાયમાં સુંદર રીતે શતાનંદ સ્વામીએ વણી લીધેલ છે. ભગવાન શ્રીસ્વામિનારાયણે ગદ્ગદ્ કઠે ગાયેલો આ સદુપદેશ નારાયણ ગીતા તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે.
શ્રીહરિના હૃદગત અભિપ્રાયના મર્મજ્ઞ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરેલ. ત્યારબાદ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા આ ચોથી આવૃતિ પણ રાજકોટના અ. નિ. ૫. ભ. શ્રી હરખચંદભાઈ ધનજીભાઈ બગડાઈની સ્મૃતિમાં હ. સુપુત્ર શ્રી વિનુભાઈ બગડાઈ પરિવારના સહયોગથી પ્રકાશિત કરવામાં આવી છે. શ્રીહરિની તેમના પરિવાર પર અપાર કૃપા વરસે.