‘‘શુદ્ધા હિ બુદ્ધિઃ કિલ કામધેનુઃ।’’
વિશુદ્ધ-પવિત્ર બુદ્ધિ કામધેનુ ગાયની માફક જીવનવિકાસના પંથે યથેચ્છ ફળ આપનારી બને છે. સંત તુલસીદાસજી પણ લખે છે કે,
‘‘જહાઁ સુમતિ તહાઁ સંપદ નાના, જહાઁ કુમતિ તહાઁ વિપદ વિધાના.’’
જેની બુદ્ધિમાં સુમતિ છે, સુખદ સમજ છે ત્યાં સમૃદ્ધિ છે જેની બુદ્ધિમાં કુમતિ છે ત્યાં સંકટ ડગલે ને પગલે છે. તેથી બુદ્ધિની શુદ્ધિ માટે દરરોજ સ્વાધ્યાય, અભ્યાસ, પૂજા-પ્રાર્થના કરવી જોઈએ. માનવી કદાચ જીવનમાં ભલે બધું જ ખોઈ બેસે; પરંતુ જો તેની બુદ્ધિ સુયોગ્ય અને સલામત હોય તો તે પછી શૂન્યમાંથી વિશાળ સૃષ્ટિ સર્જી શકે છે.
મનુષ્ય બુદ્ધિનિષ્ઠ બને તે ખૂબ જરૂરી છે. આજે એક માણસ ૮ કલાક કામ કરે ને ફકત ૧૦૦-૨૦૦ કે ૫૦૦ રૂા. કમાતો હોય જ્યારે એક માણસ એ જ સમયમાં લાખો રૂપિયા કમાઈ શકતો હોય તેની પાછળનું મુખ્ય કારણ ફકત ને ફકત તેની બુદ્ધિશક્તિ છે. માણસ જેવી બુદ્ધિને કેળવે તેવો તે બની શકે. વિદ્યાર્થી જીવન એ ખરેખર બુદ્ધિને વિકસાવવાની પ્રવૃત્તિ છે.
વિદ્યાર્થીકાળમાં જે વિદ્યાર્થી આળસ-પ્રમાદ છોડી વિદ્યા પ્રાપ્ત કરવામાં લાગે તે ભવિષ્યમાં ખૂબ સુખી થાય છે.
વિદ્યા પણ જે પ્રામાણિકતાથી પ્રયત્ન કરે તેને વરે છે. વિદ્યાર્થી જીવનમાં શક્તિ-સમતા અને સજાગતા નિર્માણ કરનાર આ પુસ્તક તમારી બુદ્ધિને તેજસ્વી, તમારા લક્ષ્યને સુદૃઢ કરશે.
આજના આ કલુષિત વાતાવરણથી વિદ્યાર્થી પોતાના લક્ષ્યથી ભ્રમિત થાય છે. સમય જતાં જ્યારે વિદ્યાર્થીને પોતાને ભાન થાય ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. વિદ્યાર્થી સમજીને જ પોતાના ક્ષેત્રમાં કેમ આગળ વધી શકે અને સફળતાના શિખરે પહોંચે તેવા ચિંતનાત્મક પ્રસંગો રજૂ કરેલ છે. આ પુસ્તક દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોને જ્ઞાનમાર્ગમાં તેમજ જીવનમાં સર્વાંગી વિકાસ અને સફળતા મળે તેમજ અભ્યાસ અને સાધના કરવાની હોંશ મળતી રહેશે તેવી આશા...