આ સર્વોપરી ઉપાસનાની પરંપરા ગુરુદેવ પૂ. શાસ્ત્રીજી મહારાજે પોતાના શિષ્ય સંતમંડળને આપી છે. તે ગુણાતીત પરંપરાને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર સંત પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી ગુરુદેવની અમી દૃષ્ટિ અને રાજીપો મેળવી આજે સત્સંગ સમાજ સુધી પહોંચાડી રહ્યા છે. પૂ. મહંત સ્વામીએ સત્સંગને સાજો અને તાજો રાખવા વર્તનથી વાતો કરી છે. આ અંગે હંમેશાં કટિબદ્ધતાથી વ્યવહાર માર્ગને ગૌણ કરીને આજ્ઞા અને ઉપાસના પાળવા તેમજ પળાવવાના આગ્રહી રહ્યા છે.
આ બાબતના પ્રમાણરૂપ તેમણે ભગવન્નિષ્ઠ અને સંતોમાં આત્મબુદ્ધિ ધરાવતા હરિભક્તો તથા સંતોને સર્વદેશી સમજણના જ્ઞાનોપદેશના પત્રો લખી સર્વોપરી ઉપાસનાના જાગૃત મશાલચી તરીકેની ભૂમિકા અદા કરી છે. તેઓશ્રીના આ પત્રોને પાર્ષદ શ્રી વશરામ ભગતે ખૂબ જ ભાવથી સંગ્રહિત કરી રાખેલા. રાજકોટ ગુરુકુલ વિદ્યાલય સુવર્ણ જયંતી વર્ષ, વાત્સલ્ય મૂર્તિ પુ. શ્રી પ્રેમપ્રકાશદાસજી ૨૫મી પુણ્યતિથિ અને અ.મુ. સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા દ્વિશતાબ્દી નિમિત્તે ઉજવાતા ‘જનમંગલ મહોત્સવ’ના અનેકવિધ સેવા ઉપક્રમોના ભાગરૂપે સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે ‘સત્સંગ પત્ર પરિમલ’નું એક નવું નજરાણું પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.