વચનામૃત ગ્રંથમાં પ્રશ્નકર્તા સંતો-ભક્તો તથા શ્રીજીએ અવતારો તથા ઋષિમુનિઓ વગેરેને યાદ કરી જ્ઞાનગોષ્ઠિ કરી છે. જે સાંપ્રદાયિક ૧૦૯ અને પૌરાણિક ભક્તો, અવતારો, ઋષિમુનિ વગેરેના ૧૩૬ સહિત કુલ ૨૪૫ પાત્રોનો પરિચય ફક્ત માહિતીરૂપે આ ગ્રંથમાં પ્રસ્તુત કરેલ છે.
તે બધાં પાત્રોની માહિતી સંપ્રદાયના ગ્રંથો તથા પૌરાણિક ગ્રંથો વગેરેમાંથી ઉદ્ધૃત કરી છે. તે સાથે શ્રીજી સમકાલીન ભકતોના હાલના વંશ વારસો પાસેથી પણ માહિતી એકત્ર કરી છે. બહુધા પરંપરામાં સંભળાતી આવતી વાતોનો જો પુસ્તકમાં આધાર ન મળે તો તે વાતાનો અહિ ઉલ્લેખ કર્યો નથી. તેથી અમુક પાત્રોને પૂરતો ન્યાય આપી શકાયો નથી. અમુક માહિતી મને મળી નથી કહેતા, તે શોધવામાં હું ઉણો ઉતર્યો છું તેમ પણ હું સ્વીકારું છું.
આ ગ્રંથ માહિતીગ્રંથ છે. આ લખાણ ભાવાત્મક કે વર્ણનાત્મક નથી એટલે અલંકારિક શબ્દોનો ઉપયોગ કરાયો નથી. વળી એક જ પ્રકારની માહિતી માટે અલગ અલગ મંતવ્યો થતાં હોય તો તે બધાં મંતવ્યો જે તે પુસ્તકના આધાર સહિત લખ્યાં છે. કઈ માહિતી સાચી છે ? તેનો નિર્ણય વાચકો ઉપર છોડેલ છે.
લખાણ લાંબુ ન થાય તે માટે જે તે પાત્રોનો ટુંકમાં પરિચય અપાયો છે. તેમ છતાં જે તે પાત્રની વિશેષ માહિતી જો કોઈ સુજ્ઞ ભક્તને કે સંતવર્યને હોય તો પૂરક માહિતી પુસ્તકના સંપૂર્ણ આધાર સાથે આપવા નમ્ર પ્રાર્થના છે. તો નવી આવૃત્તિમાં તેનો સમાવેશ કરી શકાય.