પરંતુ સત્સંગના અન્ય લક્ષાવધિ બંધુઓને આ પ્રસંગનો કંઈક આછો ખ્યાલ આપી શકાય તે હેતુથી એક ઐતિહાસિક પુસ્તક પ્રસિદ્ધ કરવું જોઈએ એવી અમારા વડીલોની વિનતિથી પૂજ્ય સદ્દગુરુ શાસ્ત્રીજી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આ પુસ્તક ઇ. સ. ૧૯૪૬ માં પ્રસિદ્ધ કરાવેલું.
તેમાં કેવળ યજ્ઞ પ્રસંગના વર્ણન ઉપરાંત સંપ્રદાય અંગેનું ઉપયોગી સાહિત્ય જો આ પુસ્તકમાં સામેલ કરવામાં આવે તો આ પુસ્તક વિશેષ ઉપયોગી અને માહિતી પૂર્ણ બને એવું વિચારી, સંપ્રદાયના સંક્ષિપ્ત ઈતિહાસ પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે.
પરમ ભગવદીય શ્રી ત્રિભુવનભાઈ વ્યાસે પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ હોવા છતાં, સહર્ષ અને ખૂબ જહેમત ઉઠાવીને આ કાર્ય કરી આપ્યું તે માટે અમો તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
આ સમારંભના આદ્ય આયેાજક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી માટે તો શું લખીએ ? તેઓશ્રી તો સર્વસંતગુણ વિભુષિત સત્સંગના અભ્યુદય માટે સતત સેવા બજાવતા વીરલ સદગુરૂવર્ય છે. આ કાર્યને માટે જેટલી પ્રશંસા થાય તે બધી તેઓશ્રીની સાધુતા, સરળતા, નિપુણતા અને નિઃસ્પૃહતાને જ આભારી છે, તેમ અમે સમજીએ છીએ. એમણે તો બધી જવાબદારી પોતાને જ શિરે રાખી હતી. ૨૧ દિવસ સુધી હજારો માણસને માટે બંને ટંક જમણની વ્યવસ્થા એ બધા માટે ઉતારા અને પાગરણ વગેરેની વ્યવસ્થા, ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી માટે બધી સગવડતાઓ, હજારો માણસની અધ્યામશાંતિને માટે યોજાયેલ કથાવાર્તા અને ધુન તથા કીર્તનની અખંડ યોજના અને શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે યજ્ઞનું આયેાજન એ બધું તેઓશ્રીએ શ્રીજી કૃપાથી પાર પાડયું હતું. આ કાર્ય પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રીજીની તદ્દન નિર્દોષ અને નિષ્કામ ભાવનાથી અને એક શ્રીજી પ્રત્યેની અનન્ય નિષ્ઠાથી, પ્રથમ જણાવ્યા પ્રમાણે, ઈષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીની પૂર્ણ પ્રત્યક્ષ દયાથીજ સર્વાંશે યશસ્વી થયું.
જૂનાગઢ મંદિરમાં યોજાએલ ઉપરના મહોત્સવ પછી તો પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી અને તે દ્વારા અનેક શુભ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે. કેટલાય ભવ્ય શ્રી મહાવિષ્ણુયાગો વિશ્વશાંતિ અને વિશ્વકલ્યાણની ભાવનાથી તેઓશ્રીએ યોજ્યા છે, એ સર્વને સુવિદિત છે.
જૂનાગઢના મહોત્સવને આજે ઘણાં વર્ષો થઈ ગયાં, છતાં તેને જૂની પેઢીના સંતો અને ભક્તજનો જેણે જેણે એ મહોત્સવ જોયો છે એ તેની મહત્તાની અને વિશિષ્ટતાની વાત કરે છે, આ મહોત્સવના વૃત્તાંતના પુસ્તકની પ્રથમ આવૃત્તિ આજે ઉપલબ્ધ નથી. ઘણાને તે પ્રસંગને ઇતિહાસ જાણવાની ઈચ્છા થાય છે અને અમારી પાસે માગણી કરે છે, તેથી અને ભાવિ સત્સંગ સમાજને પણ સતસંગનું ગૌરવ વધારતા આ અપૂર્વ મહોત્સવને ખ્યાલ આવે તેથી તેની બીજી આવૃત્તિપ્રસિદ્ધ કરવા પ. પૂ. શાસ્ત્રીજી મહારાજને વિનતિ કરતાં તેઓશ્રીએ કૃપા કરી તે સ્વીકારી ને આ પુસ્તક તૈયાર કરાવ્યું છે તે બદલ તેઓશ્રીના અમે સદા ઋણી છીએ.