સદ્ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીના જીવનમાં ચિત્તનો ચોંટવાનો સ્વભાવ અખંડ વૃત્તિ રાખવામાં મુખ્ય રહ્યો હોય તેમ દેખાય છે. પ્રેમાનંદ સ્વામીના ચિત્તને ચોંટવાનું યોગ્ય પાત્ર શ્રીજી મહારાજ મળી ગયા, પરિણામે રાતદિન તેમની રટના લાગી રહી.
શ્રીજી મહારાજ અને સંતો સંગાથે સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી અતિ ગરીબ અને ગરજવાન થઇને રહ્યા છે. મોટેરાઓનો રાજીપો પણ એવા પાત્ર મુમુક્ષુ ઉપર સહેજે રહેતો હોય છે.
પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના અને પુરુષાર્થથી પ્રભુ એમના હૃદયરૂપી પીંજરામાં પુરાયા એ આ વંદુના પદોમાંથી જણાય આવે છે. સંવત્ ૧૮૮૦ના મહા વદિ ચૌદશે પ્રેમાનંદ સ્વામીએ મહારાજની આગળ આ "વંદુ" ના ૮ પદો ગાયા ત્યારે મહારાજનો જે અંતરનો રાજીપો ઉઠેલો એમાં પ્રેમાનંદ સ્વામીની પ્રભુ પ્રત્યેની અતિ ઉત્કૃષ્ટ ભક્તિના દર્શન થાય છે. તે ભાવભક્તિને પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજીએ સુરત ગુરુકુલમાં થતી "સહજાનંદી" સભામાં વિશેષ પણે સમજાવેલ.
આ વંદુ સહજાનંદ પુસ્તકને શબ્દદેહ આપી અ.નિ. પૂ. શ્રી જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં જૂનાગઢમાં યોજાયેલ સર્વમંગલ મહોત્સવ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા પ્રકાશન કરવામાં આવેલ.
આશા રાખીએ આ પુસ્તકના વાચન દ્વારા આપણા જીવનમાં પણ પ્રેમાનંદ સ્વામીના જેવી મહારાજના સ્વરૂપમાં ભક્તિ અને ચિંતવન દિન દિન પ્રત્યે વધતું રહે તેવી અપેક્ષા સહ....