એમના લેખોમાં સદાચાર ધર્મ પ્રવર્તન, ત્યાગ વૈરાગ્યની છટા, ઈષ્ટદેવની ભક્તિમાં ભાવનાની ભીનાશ જોવા મળે. ભગવાનનો દૃઢ નિશ્ચય, નિયમ પાલનની દૃઢતા, ભગવાનના ભક્તનો મહિમા સહિત પક્ષ વગેરે સચોટ દૃષ્ટાંત સહિત જોવા જાણવા મળે ને પ્રેરણા પ્રાપ્ત થાય.
‘સંત વિના સાચી કોણ કહે’ નિષ્કુળાનંદ સ્વામીની આ પંક્તિને જીવન મંત્ર બનાવીને પોતે લેખો લખતા રહે છે. એમના લેખો ભાવિકોને અનેરું સત્સંગનું બળ પૂરું પાડે છે. સત્સંગ ચાર પ્રકારે થાય છે. સત્ એવા પરમાત્મા, સત્ એવો આત્મા, સત્ એવાં સાધુપુરુષો અને સત્ એવા શાસ્ત્રો. આ ચારનો સંગ એ સત્સંગ છે. સત્પુરુષ થકી જે શાસ્ત્રની રચના થઈ હોય તે સત્શાસ્ત્ર છે.
સત્શાસ્ત્રના વાચનથી માણસની બુદ્ધિની શુદ્ધિ થાય છે. અંતરમાં પરિવર્તન આવતું જાય છે. સારા પુસ્તક વાંચીને ઘણા મહાનુભાવોએ મહાનતા હાંસલ કરી છે. ભગવાન શ્રીહરિએ પણ પોતાના આશ્રિતોને આજ્ઞા કરતા કહ્યું છે અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સત્શાસ્ત્રનું સેવન કરવું. માન્ય કરેલ આઠ સત્શાસ્ત્રોનો પાઠ કરવો. સત્શાસ્ત્રનું વાચન બુદ્ધિની જડતાને હરી લે છે.
ભગવાન શ્રીસ્વામિનારાયણ વિદ્વતા અને જ્ઞાનના ગુણનો આદર કરે છે પણ કેવળ કોરું જ્ઞાન કે પોથી પંડિત જેવી શાબ્દિક વિદ્વતાથી દૂર રહેવા તાકીદ પણ કરે છે. કર્તવ્યનિષ્ઠ અને આચરણનિષ્ઠ વિદ્વતાને માન્ય કરે છે અને એવી વિદ્વતાને ધારક સંતોની વાણી અને કલમ જ કલ્યાણકારી નિવડે છે.
પૂ. સ્વામીજી હંમેશાં મંત્રલેખન કે સત્શાસ્ત્રના વાચન કે કથાવાર્તામાં જ રસબસ રહેતા હોય છે. આ સાથે માનસરોવરના હંસની જેમ સદ્વિચારો અને સુવિચારો રૂપી મોતીનું સંપાદન કરતા રહે છે. તેમનાં સૂત્રો અને વાણી થોડામાં ઘણુ ઝાઝું કહી જતી હોય છે.
સદ્વિદ્યામાં છપાતા લેખોને અનુલક્ષીને અ.નિ. સુરેશભાઈ ભટ્ટ સાહેબે ઘણા પુસ્તકોનું સંકલન કરેલ. હાલ પૂ. સ્વામીના કૃપાપાત્ર શિષ્ય ને સદ્વિદ્યાના સહતંત્રી પૂ. રસિકવલ્લભદાસજી તથા સાહિત્ય સૂઝ ધરાવતા શ્રી ગોરધનભાઈ સખિયા પૂ. સ્વામીજીના લેખોનું સંકલન કરતા રહે છે.
પૂ. સ્વામીજીના આ પુસ્તકમાં સદ્વિદ્યાના છેલ્લાં ચારેક વર્ષમાં છપાયેલા લેખોનું સંકલન આમાં કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉપલક્ષ્યમાં આ પુસ્તકનું અમૃતાંજલિ એવું સાર્થક નામાભિધાન કરાયું છે. ટાઈટલ પેજ અને બુક લે આઉટ ડિઝાઈન સેવાકાર્ય પૂ. સાધુ વિશ્વસ્વરૂપદાસજી સ્વામીએ અને પ્રૂફ રીડિંગ સેવાકાર્ય પાર્ષદ શ્રી વશરામભગત, પ. ભ. શ્રી રમણિકભાઈ રૂપારેલિયા સાહેબ અને સમર્પિત સેવક શ્રી મનીષભાઈ ચાંગેલાએ કરેલ છે.
આ પ્રકાશનમાં આર્થિક સૌજન્ય પ્રકાશન વિભાગમાં જ સેવા આપતા મૂળ નોંધણચોરાના ભૂ. વિ. પ.ભ. શ્રી ગોરધનભાઈ સખિયાના પોલેન્ડ નિવાસી સુપુત્ર શ્રી રોહિતભાઈ સખિયાએ પોતાના અક્ષરનિવાસી દાદા ગંગદાસબાપાની પવિત્ર સ્મૃતિમાં સહર્ષ સ્વીકારેલ છે. આ સહુ કોઈ ઉપર શ્રીહરિની પ્રસન્નતા ઉતરે એજ અંતરની અભ્યર્થના સહ જય સ્વામિનારાયણ...