વિપત્તિ અને વિરોધોનાં વાવાઝોડાં વચ્ચે સાધુતા ટકાવી રાખવાનું કામ તો મીણના દાંતે લોઢાના ચણા ચાવવા કરતાંય વધુ કપરું હોય છે; પરંતુ પૂજ્ય ગુરુદેવ તે ઝંઝાવાતોમાંથી સારધાર પાર ઉતરી ગયા. તેઓ કહેતાં : ‘અનેક મુશ્કેલીઓમાં ભગવાને મારી સાધુતાને સુરક્ષિત રાખીને તેમાંથી મને ઉગાર્યો છે.’
સંતો અને સજ્જનોની એક વિશેષતા છે : પોતાની સાથે થયેલા અન્યાયની વાતને સંત પવન પર લખે છે અને સજ્જન પાણી પર લખે છે. અપકારી ઉપર પણ સદાય હસતા રહીને પૂજ્ય ગુરુદેવે એનું હિત જ ઈચ્છયું છે. સાબુ કપડાંને સાફ કરે છે એ તો આપણે અનુભવ્યું છે; પરંતુ સત્પુરુષો તો જીવોના દોષો-સ્વભાવો સાફ પણ કરે છે અને તેના અપરાધો માફ પણ કરે છે. ગમે તેવો પોતાનો અપરાધ કરનાર કુપાત્ર જીવોને પૂજય શાસ્ત્રીજી મહારાજ સદા માફ કરતા આવ્યા છે.
ટ્રેન કયારેય ટ્રેકને છોડતી નથી તેમ પૂજ્ય ગુરુદેવે ભગવાન શ્રી સ્વામિનારાયણની પંચવર્તમાનરૂપી મર્યાદાનું પાલન કરી, સદ્ગુરુઓનો રાજીપો મેળવી લેવાની પોતાની ટ્રેકને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી છોડી નથી. તેમને માટે તેઓએ પોતાના જીવનની ક્ષણે ક્ષણનો પૂર્ણ ઉપયોગ કર્યો છે.
પૂજ્ય ગુરુદેવની મુમુક્ષુતા, નિયમિતતા, સજાગતા, નિડરતા, નિપુણતા, ગુણગ્રાહકતા, ઉપકારકતા, સહનશીલતા, સાધુતા, કરુણતા, ક્ષમાશીલતા, અનાસક્તતા, વિચારશીલતા, વ્યવહારિકતા તથા શ્રીજીની આજ્ઞા, ઉપાસના અને ધર્મપાલનની દૃઢતા વગેરે સદ્ગુણોની ટેકને તેઓ દૃઢપણે વગળી રહેલા.
પૂજ્ય ગુરુદેવના જીવન પ્રસંગોને શાસ્ત્રી શ્રી હરિપ્રિયદાસજી સ્વામીએ પ્રસ્તુત પુસ્તકમાં આલેખ્યા છે. આ પુસ્તકમાં ‘સદ્વિદ્યા’ના તંત્રી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીએ લખેલ ‘પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી’ પુસ્તકના અમુક પ્રેરક પ્રસંગોને સમાવિષ્ટ કર્યા છે, પરંતુ અધિકતઃ પૂજ્ય ગુરુદેવના યોગમાં રહેલા વડીલ સંતો, ભકતો તથા વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત થયેલા અજાણ્યા પ્રસંગોનું આલેખન કરાયું છે. લેખકે પૂજ્ય ગુરુદેવની અજોડ સાધુતા અને મહાનતાને નિરૂપવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.
સરળ શૈલીમાં આલેખાયેલ પૂ. ગુરુદેવના જીવનની આ પ્રસંગમાળા ચિરકાળ સુધી મુમુક્ષુ આત્માઓને આદર્શ જીવનની પ્રેરણા આપતી રહેશે. આ પુસ્તકનું લેખન, સંકલન, કલા સંયોજન અને પ્રુફશુદ્ધિનું સેવા કાર્ય કરનાર સંતો ભકતોને તેમજ ઉદાર દિલે આર્થિક સેવા કરનાર ગુરુદેવના અનન્ય કૃપાપાત્ર શિષ્યોને ગુરુદેવના આદર્શોને પામી રહેવાની મતિ, શક્તિ અને ભક્તિ અર્પે તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના !