કુરુક્ષેત્રના સમરાંગણમાં સામે પક્ષે યુદ્ધ કરવા ઊભેલા વડીલો ને સગાંસંબંધીઓને જોઈને અર્જુન શોકમાં વિહ્વળ અને વ્યાકુળ બની બોલી ઊઠયો, ‘પિતામહ ભીષ્મ અને ગુરુવર્ય દ્રોણ જેવા પૂજનીય વડીલો સામે મારે યુદ્ધ કેમ કરવું !’ યુદ્ધ શરૂ થવાની અણી વખતે અચાનક અર્જુનના અંતરમાં આવેલ આવી અકળામણને ખંખેરી નાખવા અને એના અંતરમાં જાગેલા સંશયોને છેદી નાખવાના હેતુથી પરમાત્મા શ્રીકૃષ્ણે માનવજીવનનાં સનાતન અધ્યાત્મ મૂલ્યોને અદ્ભુત મક્કમતાથી ગાયાં. એ ઉચ્ચ કોટીના તત્ત્વજ્ઞાનને ગીતાબોધ કહેવામાં આવે છે. આ નવ્ય, ભવ્ય અને દિવ્ય ગાનમાં પ્રભુની પરાવાણીની પ્રાસાદિકતાનો અનેરો અનુભવ થાય છે.
બાળમુકુંદની મોરલીના માધુર્યે જેમ ગોપીઓનાં હૃદયોને પ્રેમલક્ષણા ભક્તિથી ભીંજવી દીધાં તેમજ અર્જુનને ઉદ્દેશીને રણમેદાનમાં શ્રીકૃષ્ણ ભગવાને ગાયેલ ગીતાજ્ઞાને અર્જુનને તો યુદ્ધમાં કટીબદ્ધ કર્યો પણ આજપર્યંત અનેક જ્ઞાનીઓ, તત્ત્વજ્ઞાનીઓ, આચાર્યો, ભક્તજનો, કર્મયોગીઓ, સાંખ્યયોગીઓ, ઋષિમુનિઓ, સંતમહાનુભાવો, ચિંતકો, લેખકો, કવિઓ અને સમાજસેવકોને પોતપોતાની ફરજોમાં અને આપદ્ધર્મમાં જોતરાવા પ્રેરણા પાથેય પૂરું પાડ્યું છે.
યોગેશ્વર શ્રીકૃષ્ણે વહાવેલ ગીતાજ્ઞાન પ્રવાહમાં વેદ ઉપનિષદોનો અર્ક ઘુંટાઈને ઘટ બન્યો છે. વેદાંતનું તત્ત્વ રહસ્ય એમાં સહેજે વણાઈ ગયું છે. સત્શાસ્ત્ર માત્રનો સાર આ ગાગરસમી ગીતામાં સમાઈ ગયો છે. મુમુક્ષુ માટે એમાં અખૂટ પ્રેરણા પાથેય ભર્યું છે.
માનવજીવન એક રણસંગ્રામ છે. એમાં પ્રસંગોપાત અણધારી વિપત્તિઓ આવતી હોય છે. એ વખતે મનમાં ઉદ્ભવતી શંકા-કુશંકાઓનાં સુખદ સમાધાનો ગીતાજીમાં અપાયાં છે. ઈન્દ્રિય-અંતઃકરણને વશ કરવાની સરળ રીતો, અંતઃશત્રુઓને જીતવાના સચોટ ઈલાજો તેમજ દોષોને ટાળવાના ઉપાયો ગીતાકારે બતાવ્યા છે.
‘नमे भक्त प्रणस्यति’ આવાં તો અનેક આશ્વાસનો ગીતાજીમાં ઠેર ઠેર જોવા મળે છે. જેનાથી મુમુક્ષુઓને અંતરમાં અનેરી હિંમત અને જીવનસુધારણાની પ્રેરણાઓ મળતી રહે છે.
ભગવાન શ્રીસ્વામિનારાયણે ગીતાજીને માન્ય આઠ સત્શાસ્ત્રોમાં ગણાવી છે. એટલું જ નહીં પણ પોતે સંત-હરિભક્તો સમક્ષ સભામાં પ્રબોધેલ વચનામૃતોમાં ગીતાજીના શ્લોકોના સંદર્ભો રજૂ કરીને અધ્યાત્મ જ્ઞાનનું સચોટ નિરૂપણ કર્યું છે. ભગવદ્પાદ્ રામાનુચાર્યજીએ કરેલ ગીતાભાષ્યને એમણે શિક્ષાપત્રીમાં પોતાના અધ્યાત્મશાસ્ત્ર તરીકે સ્વીકાર્યું છે. તેઓશ્રી ગીતાજીને સબળ પ્રમાણિત શાસ્ત્ર માનતા.
પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ગીતાના અધ્યાત્મ સિદ્ધાંતો પ્રત્યે અદકેરો આદરભાવ હતો. સંસ્કૃત અભ્યાસ દરમિયાન પોતે ૧૮ દિવસમાં ગીતાજીના ૧૮ અધ્યાય કંઠસ્થ કરેલા. એમનાં મનનીય પ્રવચનોમાં ખાસ કરીને બ્રહ્મસત્ર-જ્ઞાનસત્રમાં ગીતાના શ્લોકોનો રણકાટ અચૂક સાંભળવા મળતો. જ્યારે તેઓશ્રી કથામાં ગીતાજી ને વચનામૃતના સનાતન સિદ્ધાંતોની તુલના કરતા ત્યારે એમનાં પ્રેરણાદાયી પ્રવચનો સાંભળવાં એ જીવનનો એક લહાવો ગણાતો.
ઘૂઘવતા સાગરના પેટાળની પેઠે ગીતાજીનું તત્ત્વજ્ઞાન ગહન અને ગૂઢ છે. જેમ જેમ એમાં ઊંડા ઉતરીઓ તેમ તેમાંથી નવાં નવાં પ્રેરણારત્નો મળતાં જ રહે છે. તત્ત્વજ્ઞાનના નિરૂપણમાં આ ગીતાગ્રંથ અજોડ છે. એમાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનું અનુપમ નિરૂપણ છે.
આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વે યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાએલ ગીતાજીના સનાતન સિદ્ધાંતો આજે પણ માનવજાત માટે એટલાં જ બલ્કે વિશેષ પ્રેરણાદાયી છે. માનવજીવન જ સઘંર્ષોથી ભરેલું છે. વ્યષ્ટિ તેમજ સમષ્ટિગત જીવનમાં વિવિધ પ્રકારના સઘંર્ષો આવ્યા કરે છે. આવતા ઝંઝાવાતો અને મુશ્કેલીઓથી ડરી જવાનું કે હતાશ થઈ જવાનું નથી પણ ઈષ્ટદેવના અચળ ભરોસે અને અફર આસ્થા-શ્રદ્ધાના સહારે હિંમતભેર ઝઝૂમતા રહેવાનું ગીતા શીખવે છે.
ગીતાજ્ઞાને વિદેશી સાક્ષરોને મંત્રમુગ્ધ કર્યા છે. આથી તો વિશ્વની ૫૦ ઉપરાંત ભાષાઓમાં એનું ભાષાન્તર થયું છે. ગીતાપ્રેસ ગોરખપુર, સ્વાધ્યાય પરિવાર અને ઈસ્કોન સંસ્થાએ ગીતાનો બહોળો પ્રચાર અને પ્રસાર કર્યો છે.
ગીતાજીના અભ્યાસમાં રુચિવાળા સદ્. પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામીને ગીતાપ્રેસ ગોરખપુર પ્રકાશિત સાધક-સંજીવની ગુજરાતી ટીકા વાંચવામાં આવીને ખૂબ ગમી કારણ કે આના ટીકાકાર મહાન સંત સ્વામી રામસુખદાસજીએ ગીતાના ઉદ્ગાતા યોગેશ્વરના હૃદગત અભિપ્રાયને સરસ રીતે વર્ણવ્યો છે. એટલું જ નહીં પણ અગાધ ગીતાસાગરમાં ઊંડા ઉતરી મરજીવા બનીને મહામૂલાં રત્નો ખોળી કાઢીને મુમુક્ષુઓના આત્મશ્રેય માટે સંતહૃદયથી વિતરિત કર્યા છે.
સદ્. પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ આ સિદ્ધાંતો સત્શાસ્ત્રોના ઊંડા અભ્યાસની સાથે આત્મસાત કર્યા. હૈદરાબાદ ગુરકુલમાં સંતો સમક્ષ સવારની કથા વખતે સત્સંગના સાહિત્ય વચનામૃત, નંદસંતોની વાતો વગેરે સાથે એનું મનન નિરૂપણ કર્યું. એથી પ્રભાવિત થયેલા ભક્તજનોના આગ્રહ અને પૂ. મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ‘શ્રીમદ્ ભગવત્ ગીતાઃ આધ્યાત્મિક ચિંતન’ પુસ્તક રૂપે તૈયાર કરી અને તેનો આ પ્રથમ ભાગ પ્રસિદ્ધ કરેલ છે.
પ્રસ્તુત પ્રકાશનમાં સહજભાવે કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો મુમુક્ષુ પાઠક ગણ ઉદાર દિલે ક્ષમ્ય ગણશે. આશા રાખીએ છીએ કે સત્સંગ સમાજમાંથી સત્શાસ્ત્રોના અને ખાસ કરીને ગીતાબોધના અભ્યાસીઓને આ પ્રકાશન પ્રેરણદાયી બની રહેશે.