ભગવાન શ્રીસ્વામિનારાયણના નામ અને સિદ્ધાંતોથી ચાલતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ‘સદ્વિદ્યા’ માસિક અને સત્સંગપોષક સાહિત્ય સેવાની સને ૧૯૫૨માં શુભ શરૂઆત કરી, જેનું વહન હાલ સંસ્થાના મહંત પ.પૂ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પાવન નિશ્રામાં ‘સદ્વિદ્યા’ના તંત્રી વડીલ પૂ. શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી તથા વિદ્વાન સંતો કરી રહ્યા છે.
સંસ્થા દ્વારા અવારનવાર ઉત્સવ સમૈયા કે આધ્યાત્મિક શુભ પ્રસંગોએ સમાજ ઉપયોગી નૂતન સાહિત્યનું પ્રકાશન થતું રહે છે. સંપ્રદાયની પુષ્ટિનો હેતુ પણ ઈષ્ટદેવ સંબંધી શાસ્ત્રો જ છે. તેનો જેટલો પ્રચાર અને પ્રસાર થશે તેટલો જ જીવના અંતરમાં ભગવાનનો નિશ્ચય દૃઢ થશે. સત્સાહિત્ય તો માનવ જીવન માટે ટોનિકનું કામ કરે છે, જેનાથી સમાજ, કુટુંબો અને સંસ્થોઓના માણસો વિચાર, વાણી અને વર્તનથી એકબીજા સાથે સારી રીતે જોડાયેલા રહે છે. જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ ‘સત્શાસ્ત્રવ્યસનાય નમઃ’ એવું ભગવાન શ્રીહરિનું એક નામ આપ્યું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત માનસિક વિકૃતિઓને દૂર કરવી તે આંતરિક સફાઈ પણ જીવન તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. સહજાનંદ સ્વામીનો સંપ્રદાય આ માટે ખૂબ જાગૃત છે.
હરહંમેશ સત્સંગ કથાવાર્તાના વ્યસની એવા પૂ. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી માટે તો સાહિત્ય એ ઓક્સિજન સમાન છે. તેઓ પોતાના આસને હરહંમેશ સાહિત્યની હાટડી માંડીને બેઠા હોય! સંતો, ભક્તજનો અને વિદ્યાર્થીઓ પણ અચૂક સ્વામીની સાહિત્યસભર સૂત્રાત્મક વાણીનું પાન કરતા હોય છે.
પોતાના વાણી, વર્તન અને વ્યવહારથી પ્રેરણા પૂરી પાડતા પૂ. સ્વામીજી નૂતન સાહિત્ય, સૂત્રો અને પ્રસંગોનું સંકલન કરી કરાવીને જનમાનસમાં સારા અને ઉમદા વિચારોનું વાવેતર થયા કરે અને સમાજ એક સારા માર્ગે રહે તેવો પ્રભુ પ્રસન્નતાર્થે નિષ્કામ પ્રયાસ કરતા રહે છે. તે માંહેલું એક અનોખી પ્રેરણા પૂરી પાડતું આ પુસ્તક ‘અંતરના અજવાળાં’ને આપની સમક્ષ મૂકતાં અત્યંત આનંદ થાય છે. જેમાં ૧૧૦ જેટલા પ્રેરક પ્રસંગો ટાંકવામાં આવ્યા છે.