સંપ્રદાયની પુષ્ટિ માટે ઈષ્ટદેવ શ્રીહરિ અને સાહિત્યપ્રેમી સંતોએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું. આ સત્સંગ સાહિત્યના સવિશેષ પ્રચાર પ્રસાર માટે સાંપ્રદાયિક સાહિત્ય પ્રચારના હિમાયતી પૂ. સદ્. શાસ્ત્રીજી મહારાજે ૧૯૫૩માં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલમાં મુદ્રણાલયની શુભ શરુઆત કરી, જેને પરિણામે સત્સંગના સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષાના વિવિધ ગ્રંથો તેમજ સદ્વિદ્યા માસિકનું પ્રકાશન થવા લાગ્યું. પ્રિન્ટિંગ અને બાઈન્ડીંગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આજે અનેક સદ્ગ્રંથોનું સુંદર, સુઘડ ને ફોર કલરમાં નયનરમ્ય પ્રકાશન થાય છે.
પૂ. શાસ્ત્રીજી મહારાજના ઉત્તરાધિકારી પૂ. સદ્. સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી દેશ-વિદેશમાં વિસ્તરેલ ૩૫ શાખાઓની જવાબદારી સંભાળવા સાથે વિવિધ સદ્ગ્રંથોનું વાચન કરીને સત્સંગ પોષક અને પ્રેરણાદાયી વિચારોનું તારણ કરીને જીવનસૂત્રો અને જનઉપયોગી બળપ્રેરક લેખો લખતા રહે છે. એમના લેખો ‘સદ્વિદ્યા’ માસિક અને અન્ય સામયિકોમાં પણ પ્રકાશિત થતા રહે છે.
સત્સંગ સમાજને ઉપયોગી સાહિત્ય વાંચવા મળે, સત્સંગની પુષ્ટિ થાય એવા શુભ હેતુથી એમના લેખોનું સંકલન કરીને સંત સમાગમ, સત્સંગસુધા, સંતકી સોબત, જીવપાથેય, જીવનસુમન, સાચો વારસો, જીવનજ્યોત, જીવન જીવવાની કળા, પ્રેરણાના પીયૂષ, સત્સંગ ચિંતામણિ, દૃષ્ટાંત સિદ્ધાંત આદિક તથા અમૃતનું આચમન, સત્સંગ સાગરનાં મોતી સૂત્રાવલિ વગેરે પુસ્તકો સ્વામિનારાયણ ગુરુકુલ પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત થયાં છે, તેમાં ‘વિચારોનું વૃંદાવન’ પુસ્તકનો ઉમેરો કરીએ છીએ.
પૂ. ગુરુવર્ય મહંત સ્વામીના લેખો સમાજ જીવનનું વાસ્તવિક વિવરણ, જીવનની ચડતી-પડતી, એમાં આવતાં સુખ-દુઃખમાં સમજણ કેળવવાની રીતો સાથે સૂત્રાત્મક, સરળ અને સુગમ ભાષામાં એ રજૂ થાય છે, જે સહુને સદ્બોધ આપે છે, એટલું જ નહીં પણ સંત સમાગમનો પ્રત્યક્ષ લાભ મળ્યાની પ્રતીતિ કરાવે છે. કારણ કે, એમની ભાષાકીય રજૂઆત લોકભોગ્ય છે અને એમાં બંધબેસતાં દૃષ્ટાંતેયુકત શૈલી તે તો વર્તનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.