જગતમાં નવો યુગધર્મ સ્થાપવામાં શક્તિને સાથે લઇને અવતાર લે ત્યારે જ શ્રીભગવાન સફળ બને છે અને તો જ જગતના વિકાસક્રમમાં નિર્ગુણ બ્રહ્મ સંકળાયેલ છે એવી કલ્પના સાર્થક થાય છે. જ્યારે ભગવાન મનુષ્યદેહ લઇ અવતરે છે ત્યારે એ પોતે આરાધના દ્વારા શક્તિને જગાડીને તેને લોકકલ્યાણને અર્થે ઉપયોગમાં લે છે. એ રીતે યુગે યુગે ઇશ્વર દ્વારા આરાધિતા શક્તિ કલ્યાણકારી બનીને, મૂંઝાયેલી અને માર્ગ ભૂલેલી માનવજાતને ફરી ઉન્નતિને માર્ગે દોરી જાય છે. એટલું જ નહિ પણ જ્યારે ભગવાન મનુષ્યદેહે અવતરે છે, ત્યારે એ દૈવી શક્તિ પણ ઘણુંખરું સ્ત્રીસ્વરૂપે તેમની સાથે જ અવતરે છે. એ પ્રમાણે શ્રીરામચંદ્ર સાથે સીતા, શ્રીકૃષ્ણ સાથે શ્રીરાધિકા, બુદ્ધ સાથે યશોધરા અને શ્રીચૈતન્ય સાથે વિષ્ણુપ્રિયા અવતર્યાં હતાં, તેનો એ પ્રત્યક્ષ પુરાવો છે. મુખ્ય વાત એ છે કે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિરૂપે અથવા તો દેવી સ્વરૂપે, એ શક્તિ યુગાવતારની સાથે રહીને તેમની લીલામાં સર્વ પ્રકારે સહાય કરે છે. શક્તિને ન સ્વીકારીએ તો અવતારી પુરુષનો દિવ્યકાર્યવિસ્તાર અસંભવ બની જાય ને આપણા માટે દુર્બોધ બને.